મેનોપોઝ એ દરેક સ્ત્રીના જીવનમાં આવતો એક એવો દોર છે, જેમાં એક હોર્મોનલ ફેરફારની સાથે તેની માનસિક સ્થિતિમાં પણ અનેક ફેરબદલ થતી હોય છે. આ સમયગાળો માનસિક રીતે અનેક મૂંઝવણો લઇને આવે છે, ત્યારે આ સમયગાળા માટે તેમનામાં જાગૃતિ લાવવા અને તેઓ જીવનનો આ મૂંઝવણભર્યો સમય મસ્તીથી પસાર કરી શકે તે માટે શહેરની બે બહેનો દ્વારા એક ખાસ ઓડિયો સીડી લોન્ચ કરવામાં આવી. આ બંને બહેનો છે, ગાયનેકોલોજિસ્ટ અને ઓબ્સ્ટ્રેટ્રીશિયન ડૉ. દર્શના ઠાકર અને સત્સંગ પરિવારના સ્થાપક અને જાણીતા ગાયિકા નમ્રતા શોધન. આ સીડીને ‘મેનોપોઝની ચિંતા છોડો, મસ્તીથી જીવો’ એવું નામ અપાયું છે, તેમજ ‘ડુ નોટ ગિવ વિંગ્ઝ ટુ યોર મુ઼ડ સ્વિંગ્ઝ’ એવી ટેગલાઇન આપવામાં આવી છે.
આ અંગે ડૉ. દર્શના ઠાકરે જણાવ્યું હતું કે, ‘૮૦ મિનિટની આ સીડીમાં લગભગ ૪૦ મિનિટ જેટલું મારું વોઇસ રેકોર્ડિંગ છે, જેમાં મેં આ સમયગાળાને ખુશી-ખુશી કેવી રીતે પસાર કરવો અને તેના માટે કેવી પ્રવૃત્તિઓ કરવી તે જણાવ્યું છે, તેમજ મારી પાસે આવતાં આ પ્રકારના કેસીસની ઉદાહરણો સાથે વાત કરી છે. જેમાં કોઇ પણ પ્રકારની દવા વગર માત્ર વાત અને ગીતથી જ તે પોતાના આ સમયગાળાને ખુશીથી પસાર કરી શકે. તેમણે કેટલાક શોખ કેળવવા અને કેટલીક બાબતોને કેવી રીતે પોઝિટિવલી લેવા અંગે વાત કરી છે. ’
નમ્રતા શોધને જણાવ્યું હતું કે, ‘મેં આ સીડીમાં મારી ૫૦૦ રચનાઓમાંથી ૮ ગીતો પસંદ કરીને સમાવેલા છે. જેમાં સંગીત અને રાગ કરતાં વધારે શબ્દોને મહત્વ આપવામાં આવ્યું છે. જેમકે, ‘હું પ્રગટી છું પણ દીપ નથી’, ‘શબ્દોં કે જંગલ મેં તું ક્યું ફસા હેં’ કે પછી ‘રાધાની વેદના તો જાણી દુનિયાએ, માધવની વેદના અજાણી’. આ છેલ્લી રચના રાગ માલકૌંસ પર આધારિત છે. તેમજ બીજી એક રચના ‘નાચે નારી ભીતર મીરા’ રાગ કેદાર પર આધારિત છે. આ રચનાઓના સંગીતમાં મોટા ભાગે બામ્બુ ફ્લ્યુટનો ઉપયોગ કર્યો છે. હું માનું છું કે, તે સૌથી વધુલ સાંત્વન અને શાંતિ આપતું વાજિંત્ર છે.’
ચાલીસી આસપાસની ઉંમરમાં સ્ત્રીના મનમાં અનેક સવાલો ઉદ્ધભવે છે, તેમાંથી કેટલાકના સવાલો આ સીડીમાં છે, મનની મૂંઝવણને દૂર કરે અને મનને શાંતિ આપે તેવું ગીત અને સંગીત તેમાં છે. મેનોપોઝ અવસ્થાને એક જુદા દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન આ સીડી દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે સર્જન ગ્રુપ અંતર્ગત કિડનીના ડાયાલિસીસ પર રહેલાં દર્દીઓ તેમજ આવા કેટલાંક અન્ય દર્દીઓની મ્યુઝિકલ થેરાપી દ્વારા સારવાર કરવા માટે ઇનોવેટિવ હેલ્થ મેનેજમેન્ટ સિરીઝ શરૂ કરેલી, જેના ભાગરૂપે આ સીડી બનાવવામાં આવી છે.
મેનોપોઝની મૂંઝવણને મસ્તીમાં ફેરવવા CD બનશે સાથીદાર
Source : http://epaper.navgujaratsamay.