એક માતા જ્યારે પહેલી વખત પોતાના બાળકને હાથમાં લે છે, તેનો સ્પર્શ અને એ અનુભૂતિ અવર્ણનીય હોય છે, કદાચ કોઇ માતા પણ આ અનુભૂતિને શબ્દોનું સ્વરુપ નથી આપી શકતી, અને તેની ખુશી શબ્દોના બદલે હર્ષાશ્રુ સ્વરુપે બહાર આવી જતી હોય છે. પરિવારના અન્ય સભ્યો માટે એક પરિવારમાં બાળકનો પ્રવેશ એ એક ઉત્સવનો પ્રસંગ બની જતો હોય છે. પણ આ ઉત્સવના માહોલ વચ્ચે જન્મ બાદ જ્યાં સુધી બાળક માતાના હાથમાં નથી આવતું ત્યાં સુધી માતાના મનમાં એક પ્રકારનો ડર રહેતો હોય છે, માતાનો આ ડર દૂર કરવા અને બાળક સાથેની જે પ્રક્રિયાઓની માતા સાક્ષી નથી બની શકતી, તે ક્ષણો કેમેરામાં કેદ કરીને તેને જીવનભરનું સંભારણું બનાવી આપે છે એક ડોક્ટર.
શહેરના એક જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. દર્શના ઠક્કર બાળકના જન્મથી લઇને તેને જ્યારે તેની માતા પોતાના હાથમાં લે ત્યાર સુધીની દરેક પ્રક્રિયા સાથે તેના ઘરના અન્ય સભ્યો સાથે નવજાત શિષુના ફોટો પાડીને તેનું એક આલ્બમ તૈયાર કરાવીને તેમની હોસ્પિટલમાં આવતી દરેક માતાને ભેટ આપે છે, અને આ આલ્બમમાં તે બાળકના જન્મના સ્થળ અને સમય પણ લખી આપે છે. જે એક માતા માટે જીવનભરનું સંભારણું અને એક અમૂલ્ય ભેટ બની રહે છે.
આ અંગે વાત કરતાં ડૉ. દર્શના ઠક્કર કહે છે, ‘ડિલીવરી સમયે જ અમે ફોટો સેશન શરુ કરી દઇએ છીએ. બાળકના આ દુનિયામાં પ્રવેશ, બાળકને નવડાવતાં, તેને તૈયાર કરતાં, તેના પહેલાં વજનના, અને પહેલી વખત માંના હાથમાં આવે ત્યારના તેના હાવભાવ સાથેના ફોટો અમે લઇએ છીએ. બાળકના જન્મના થોડાંક જ કલાકમાં આ પ્રકારની ફોટોગેલેરી મેળવવાથી તેમના ચહેરા પર જે મિલિઅન ડોલર સ્માઇલ આવે છે, તે અમારા માટે સૌથી અગત્યની હોય છે. નવા જન્મેલા બાળક સ્વરુપે જે ખુશીઓનો ગુલદસ્તો પરિવારને મળે છે, તેની સાથે આલ્બમ સ્વરુપે એક વધુ ગુલદસ્તો અમે તેમની ખુશીમાં વધારવા ઇચ્છિએ છીએ.’
આ અંગે વાત કરતાં હજૂ એક મહિના પહેલાં જ માતા બનેલાં શીત્તલ અખાણી કહે છે, ‘એક ફેમિલિ મેમ્બર ન કરી શકે એ કામ ડૉ. દર્શના ઠક્કર કરે છે. જે અમારા તથા અમારા બાળક માટે જીવનભરની યાદગીરી બની રહે છે. મારે ડિલીવરીમાં પ્રોબ્લેમ હતો, અને બીજાં કેટલાંક ડોક્ટર્સે તો મને આ બાળકને જન્મ નહિં આપવાનું કહેલું, પણ ડૉ. દર્શનાએ મને હિમ્મત આપી, અને મારા બાળકને જન્મ આપવાનું કહ્યું. ભવિષ્યમાં મારા બાળકના દરેક જન્મદિન પર હું એનો એક ફોટો પાડીને આ આલ્બમમાં એડ કરતી રહીશે, અને તેને ડૉ. દર્શના પાસે પણ લઇ જતી રહીશ, જેથી તેના દરેક જન્મ દિવસે હું તેમની પાસે તેના લાંબા આયુષ્ય માટેની વીશ મેળવતી રહું. મારા માટે તો એમણે આ બાળકના જન્મથી લઇને આ આલ્બમ આપીને ત્યાર બાદ પણ અમારા બંનેની સારવારમાં માતા કરતાં પણ વિશેષ જવાબદારી નિભાવી છે. ’
Source : http://epaper.navgujaratsamay.com/details/1918-5794-1.html